કોંગ્રેસ અને ભાજપની વિદ્યાર્થી પાંખ વચ્ચે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે.બંને વિદ્યાર્થી સંગઠનોના દાદાગીરીના અનેક કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં 3 કિસ્સા સામે આવ્યા છે. આ મામલે 9 વિદ્યાર્થી નેતાઓ પર પોલીસે ફરિયાદ નોંધી છે. જોકે બંને વિદ્યાર્થી પાંખ પણ ભાજપ અને કોંગ્રેસની જ છે. બંને સંગઠનો પોત પોતાનો દબદબો કોલેજ અને યુનિવર્સિટીમાં રાખવા માટે પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન માટે જ કોલેજ કેમ્પસમાં દાદાગીરી તથા હંગામો કરી રહ્યા છે. બંને વિદ્યાર્થી સંગઠનો એકબીજાના વિરોધી હોવાથી હવે બંને વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. બંને વચ્ચેના ઘર્ષણમાં કેટલાક નિર્દોષ વિદ્યાર્થીઓને પણ સહન કરવું પડે છે.

કિસ્સો:1
એલડી આર્ટસ કોલેજમાં NSUI સાથે જોડાયેલા અર્જુન રબારી,આકાશ દેસાઈ, ઝીલ રબારી નામના આર્ટ્સના વિદ્યાર્થી કોલેજમાં માચાવેલ આતંક મામલે પ્રિન્સિપાલે મળવા બોલાવ્યા હતા ત્યારે આ ત્રણેય વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા. જેમાંથી અર્જુન રબારી નામના વિદ્યાર્થીએ તો પ્રિન્સિપાલ સામે જ પોર્ટ ફેંક્યો હતો અને પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં ત્રણેય વિદ્યાર્થીઓએ કેબિન બહાર જઈને ખુરશી ફેંકી કાચ તોડી નાખ્યો હતો. આ મામલે પ્રિન્સિપાલે ત્રણેય વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કિસ્સો:2
ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ABVPના વિદ્યાર્થી નેતાઓ કેટલાક અસામાજિક તત્વો સાથે મળીને હોસ્ટેલમાં NSUIના સમર્થક વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી કરીને એક વિદ્યાર્થીને મારમાર્યો હતો અને હોસ્ટેલમાં તથા પાર્કિંગમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. આ મામલે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ 26 જુલાઈએ રાતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી દીધો હતો છતાં પોલીસે ફરિયાદ નોંધી નહોતી અને માત્ર હોસ્ટેલ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

કિસ્સો:3
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં ફરીથી ABVP ના નેતા દિવ્યપાલસિંહ સોલંકી,ભાવિન પઢીયાર,વિશાલ દેસાઈ,રાજ દેસાઈ,ધૈર્ય પટેલ,હર્ષવર્ધન સિંહે હોસ્ટેલમાં ફરીથી જઈને વિદ્યાર્થીઓ સાથે ઝગડો કર્યો હતો. બાદમાં NSUIના નેતા હાજર હતા તે ABVPના નેતાઓથી બચવા પોલીસની ગાડીમાં બેસી ગયા હતા. છતાં ABVPના નેતાઓએ પોલીસની ગાડીમાં બેઠેલા NSUIના નેતાને પોલીસની હાજરીમાં જ માર માર્યો હતો. આ મામલે ગુજરાત યુનિવર્સિટીએ 6 લોકો વિરોધ ગુનો નોંધ્યો છે.