દેવાધિદેવ મહાદેવનો ઉપાસક રાવણ એક શક્તિશાળી વ્યક્તિ હતો. તેને મળેલા શ્રાપ મુજબ રામના હાથે મૃત્યુ થયું હતું એ જોતાં રાવણના પૂતળાનું દહન કરવું યોગ્ય નથી તેમ નખત્રાણા ખાતે યોજાયેલી તાલુકા બ્રહ્મ સમાજની બેઠકમાં જણાવાયું હતું. આ સંજોગોમાં નખત્રાણા ખાતે દશેરાએ યોજાનારા રાવણ દહનના કાર્યક્રમો બહિષ્કાર કરાશે તેવો નિર્ણય બેઠકમાં સર્વાનુમતે લેવાયો હતો.
તાલુકાભરના જ્ઞાતિ અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં સમગ્ર તાલુકામાંથી કોઈપણ બ્રાહ્મણ રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ નહી લે તેમ ઠરાવાયું હતું. આ તકે જણાવાયું હતું કે, રાવણ એક મહા શક્તિશાળી વ્યક્તિ હતો અને મહાદેવનો ઉપાસક હતો તે અસુરી શક્તિ ધરાવતો હતો પરંતુ જન્મે બ્રાહ્મણ હતો.
ભગવાન રામના હાથે મૃત્યુ થશે તેવો તેને શ્રાપ મળ્યો હતો અને તે માટે તેમણે સીતાજીનું હરણ કરવાનું પગલું ભર્યું હતું. આ કારણે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દશેરાના દિવસે રાવણ દહનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી સૌ આગેવાનોએ એકસુરે વાત કરી હતી. તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશ જોશી, ઉપપ્રમુખ દિનેશ જોશી, રાજેશ જોશી, પરશુરામસેનાના પ્રમુખ મિતેશ સોનપાર, કમલેશ રાવલ, અનિલ રાજગોર, વિશાલ જોશી, ભાવિન રાજગોર જયમીન નબોટી ધર્મેશ જોષી રાજભાઇ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સ્થળોએ વિરોધ માટે અનુરોધ કરાશે
નખત્રાણા બ્રહ્મ સમજના પ્રમુખે કહ્યું હતું કે રાવણ જેવા વિદ્વાન બ્રાહ્મણના પૂતળાને વારંવાર સળગાવાય આવે એ કદાપિ યોગ્ય નથી. કચ્છમાં અન્ય જગ્યાએ પણ રાવણ દહનનો વિરોધ કરવા અનુરોધ કરશું. છેલા 35 વર્ષથી નખત્રાણાના વથાણ ચોકમા રાવણ દહન યોજાય છે જેમાં વિવિધ સમાજો-સંગઠનો સહયોગ આપે છે પણ અમે હરગીઝ સહકાર નહી આપીએ. કંસ પાપી હતો તો તેના પૂતળાનું કેમ દહન નથી કરાતું તેવો સવાલ તેમણે કર્યો હતો.