- કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જામનગર અને દેવભૂમી દ્વારકામાં તંત્રને સાબદું કરાયું
- ખેડૂતોને સહાય મામલે આજે સીએમની બેઠક, રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 74,232 લોકોને કેશડોલ્સ ચૂકવાઇ, 3 ડેમ પણ હાઈ એલર્ટ
- મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વરસાદની સ્થિતિની સમીક્ષા કરી, સાબરકાંઠામાં નદીના પટમાં ફસાયેલા લોકોને NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યા
રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં સતત વરસાદ ચાલું રહ્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્રિવેદીએ કહ્યું કે 23 અને 24મીએ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે.
24 અને 25 તારીખે કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે. સાબરકાંઠામાં નદીના પટમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યા છે. દરમિયાનમાં કૃષિ પાકને નુકસાન અને ખેડૂતોને સહાય મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે મહેસૂલ વિભાગની ખાસ બેઠક બોલાવી છે.
NDRFની 13 ટીમ, SDRFની 21 પ્લાટૂન તહેનાત
ચોમાસાના બીજા રાઉન્ડના સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે. શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છ, શનિવારે ઉ.ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.
રાજ્યમાં કુલ 70ના મોત
રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 74,232 લોકોને કેશડોલ્સ ચૂકવાઇ છે. વરસાદને કારણે અત્યારસુધીમાં 70 લોકોના મોત થયા છે. ઉકાઇ ડેમમાંથી 2 લાખ ક્યુસેક્સ પાણી છોડાઇ રહ્યું છે. કુલ ત્રણ ડેમો હાઇ એલર્ટ પર છે.
વડોદારા પાસે ભાડિયાપુરા ગામમાં ડાઘુઓ ઢીંચણસમા પાણીમાં બે કિમી ચાલી નનામી લઇ સ્મશાને પહોંચ્યા…
વડોદરા જિલ્લામાં મંગળવારના વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા. ત્યારે ડેસર તાલુકાના છેવાડાના ભાડિયાપુરા ગામમાં મંગળવારે વૃધ્ધનું મોત થતા નનામીને 2 કિલોમીટર દુર ઉબળખાબળ રસ્તે ઢીંચણ સમા પાણીમાં લઈને પસાર થઈ સ્મશાન સુધી પહોચવું પડ્યું હતું. ગ્રામજનોએ સ્મશાન સુધીનો રસ્તો બનાવી રજુઆતો કરી છે.પરંતું હજુ સુધી કોઈ પગલું લેવાયું નહીં.
વિકાસ ગયો ખાડામાં સરકારનો વિકાસરથ પલટી ખાતા બચ્યો…
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ વિસ્તારોમાં ફેરવવામાં આવતો વિકાસ રથ બિસમાર રસ્તાના કારણે પલટી ખાતા ખાતા બચી ગયો. ઉમરાળાના ચોગઠ નજીક સરકારનો વિકાસરથ આડા પડખે થયો તસવીરો વાયરલ થઈ રહી છે. ભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં રસ્તાઓ બિસમાર થતા લોકોને હાલાકી થઈ રહી છે.