અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICUને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશનો રાજયભરના ડોકટરોએ વિરોધ કર્યો છે. આજે રાજ્યભરમાં ડોકટરોએ આ નિર્ણયના વિરોધમાં હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આજે ડોક્ટરો દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનના પગલે દિવ્યભાસ્કરે અમદાવાદની વિવિધ ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ જોવા મળ્યા ન હતા.
સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા જઈ રહ્યા હતા. ખાનગી હોસ્પિટલોમાં OPD બંધ હતી અને હોસ્પિટલ ખાલી જોવા મળી હતી.ડોક્ટરોની હડતાળને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના ડોક્ટરોની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. કોઈપણ દર્દીને હાલાકી ના પડે તે માટેની વ્યવસ્થા આ હોસ્પિટલોમાં કરવામાં આવી છે.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ બંધ
દરરોજના 500 જેટલા દર્દીઓ OPDમાં સવારથી આવે છે
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી અંશ હોસ્પિટલ આજે એક પણ દર્દી જોવા મળ્યો ન હતો. OPD એકદમ ખાલી હતી અને ત્રણ અલગ-અલગ ઓપીડી હોસ્પિટલમાં આવેલી છે જે બંધ હતી. આજે ખાનગી હોસ્પિટલોએ હડતાલનું એલાન કર્યું છે. જેને લઇને દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા જ નહોતા. દરરોજના 500 જેટલા દર્દીઓ OPDમાં સવારથી આવી જતા હોય છે પરંતુ આજે દવાખાના ખાલી જોવા મળ્યા હતા. જ્યારે વિસત ગાંધીનગર હાઇવે ઉપર તપોવન સર્કલ નજીક આવેલી અર્ધ સરકારી SMS હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા હતા. હોસ્પિટલની ઇમરજન્સી સેવા ચાલુ હતી અને OPDમાં પણ દર્દીઓની સંખ્યા જોવા મળી હતી.
બહારગામથી આવેલા દર્દીઓની ઈમર્જન્સી સારવાર ચાલુ રખાઈ છે
40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર
આજે હડતાળના પગલે ગુજરાતના 40000થી વધુ ડોકટરો ઇમરજન્સી અને OPD સેવા બંધ રાખી હડતાળ કરવાના છે. હડતાળના કારણે ગુજરાતમાં અંદાજે 30000થી વધુ અને અમદાવાદમાં 3000 જેટલા પ્લાન સર્જરી- ઓપરેશનો બંધ રહેશે. આ ઓપરેશન- સર્જરીને ડોકટરોએ પોસ્પોન્ડ કરવાનો નિર્ણય લીધો છે.