ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં પહેલા જ ધોધમાર વરસાદમાં શહેર ખાડાનગરી અને ભુવાનગરી બની ગયું છે. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યા છે. અમદાવાદના વસ્ત્રાલમાં વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો રેલના રૂટ ઉપર એક મોટો ભૂવો પડ્યો છે. સૌથી પહેલા રોડ બેસી ગયો હતો અને આ બાદ ભૂવામાં આખો રોડ સમાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે.
5 સેકન્ડમાં ભૂવામાં આખો રોડ સમાઈ ગયો
રોડ બેસી ગયા બાદ ધીરે-ધીરે પોલાણ થયું હતું અને માત્ર પાંચ સેકન્ડમાં જ ભુવો પડી ગયો હતો. આખો ભૂવો પાણીથી ભરાઈ ગયો હતો. શહેરમાં અનેક જગ્યાએ આ રીતે ભૂવા પડ્યા છે અને હજી સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ માત્ર બેરીકેડ જ કર્યા છે.
રોડ પર પડેલા ભૂવાની તસવીર
1 મહિના અગાઉ જ રોડ બનાવવાની કામગીરી થઈ હતી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો પિલર નંબર 129 પાસે મસ મોટો ભૂવો પડ્યો છે. આ રોડ બનાવવાની કામગીરી એક મહિના પહેલાં જ થઈ હતી અને ત્યારબાદ આ ભૂવો પડતા કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. રોડ પર પડતા ભૂવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોએ એકબીજાના વિભાગ ઉપર દોષારોપણ ઢોળે છે.
મહિના અગાઉ જ રોડ બનાવવાની કામગીરી થઈ હતી
કોર્પોરેશનના વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે
રોડ પર પડતા ભૂવા રોડ વિભાગ નહીં પરંતુ એન્જિનિયરિંગ વિભાગમાં આવે છે. કારણ કે પાણી અને ડ્રેનેજ લાઈન નબળી હોવાના કારણે રોડ પર ભૂવા પડે છે જ્યારે ભૂવા પડવા પાછળ રોડ બનાવવાની કામગીરી ગુણવત્તા યોગ્ય ના હોવાથી રોડ બેસી કે તૂટી જતાં હોવાનો આક્ષેપ એન્જિનિયરિંગ વિભાગ કરે છે.
અમદાવાદમાં અન્ય સ્થળોએ પડેલા ભૂવાની તસવીર
શહેરમાં 25 જેટલી જગ્યાએ ભૂવા પડ્યા
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કુલ 25 જેટલી જગ્યાએ ભૂવા પડ્યા છે. આશ્રમરોડ પર વલ્લભ સદન પાસે ચાર રસ્તા પર, ગુજરાત કોલેજ રોડ પર ચાર રસ્તા પાસે, કર્ણાવતી ક્લબની સામે વગેરે જગ્યા પર ભૂવા પડવાની ઘટનાઓ બની છે દરેક જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બેરીકેડ મારી દેવામાં આવ્યા છે. જોકે એક પણ જગ્યાએ હજી સુધી તાત્કાલિક રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત જો કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય અથવા અધિકારીની જવાબદારી હોય તો તે નક્કી કરી અને જે રીતે કામગીરી કરવી જોઈએ તે કામગીરી હજી સુધી થઈ નથી.
ઈસનપુર-નારોલમાં રસ્તા પર ખાડા
મહત્વનું છે કે, અમદાવાદમાં પડેલા વરસાદથી અનેક સ્થળોએ ભૂવાઓ પડ્યા છે. ઇસનપુર વિસ્તારમાં જીવરાજ પાર્ક પાસે મુખ્ય માર્ગ પર ખાડો પડ્યો છે. ગટરનાં ઢાંકણાનું બેલેન્સ પણ રોડ સાથે બરોબરનાં હોવાથી વાહનચાલકો માટે ખાડો સમસ્યા બન્યો છે. નારોલ ચોકડી તરફ પણ ઘાતકી ખાડો પડ્યો છે. કાશીરામ ટેક્સટાઈલથી BRTS બસ સ્ટોપ રોડ પર ખાડો પડ્યો છે. વરસાદી પાણી ભરાય એવી સ્થિતિમાં આ ઘાતકી ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે.
રોડ પર પડેલા આ ભૂવા જીવલેણ સાબિત થઈ શકે
શિવરંજનીથી શ્યામલ જતા રસ્તે રોડ પર ખાડા
શિવરંજની ચારરસ્તા તરફથી શ્યામલ બ્રીજની નીચે જતા રસ્તે અડધો ફૂટ કરતા વધુ ઊંડો ખાડો છે. સાથે આરસીસીનો ભાગ તૂટી જવાને કારણે ખાડાની પાસે તૂટેલા સળિયા પણ બહાર નીકળી ચૂક્યા છે. વરસાદી ભરાતા પાણીને કારણે વાહનચાલકો અડધો ફૂટ પડેલા ખાડાથી અજાણ હોય છે. એવામાં આ ખાડાના કારણે વાહન ચાલકોને ગંભીર ઈજાઓ થઈ શકે છે.