ઉત્તરઝોનમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો
ઉત્તર ઝોનમાં મેમકો,નરોડા,કોતરપુર,સરદારનગર, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં આવતા થલતેજ, ગોતા, સાયન્સ સીટી વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. દક્ષિણ ઝોનમાં મણિનગર,વટવા સહિતના વિસ્તારમાં બે ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં ઠેર ઠેર વરસાદ
ક્યાંક દિવાલ ધરાશાયી તો ક્યાંક વાહન ફસાયા
અમદાવાદમાં ભારે વરસાદના પગલે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. રાયખડ વિસ્તારમાં આવેલા ચિસ્તીવાડમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઇ છે જ્યારે આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા માંડવીની પોળમાં પણ એક જૂનું મકાન ધરાશાયી થયું હતું.જો કે ફાયર બ્રિગેડ પહોંચે તેની પહેલા જ વ્યક્તિને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ બની છે.
ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો
આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમદાવાદના પૂર્વ વિસ્તારોમા ભારે વરસાદ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદ શરુ થતા ભારે રાહત થઈ છે. ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, ઈસનપુર, CTM ,જશોદાનગર,મણિનગર, બાપુનગર, ઓઢવ, વસ્ત્રાલ,રખિયાલ, નિકોલ, રામોલ, વટવા સહિતના વિસ્તારોમા એક કલાક વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણીના ચેમ્બરો માથી બહાર આવીને માર્ગ પર ફરી વળ્યા છે.આશ્રમ રોડ,ઉસ્માનપુરા, વાડજ,રખિયાલ, ઇન્કમટેક્ષ, ગોમતીપુરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. ઓઢવ, વિરાટનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જ્યારે મેમકો,કૃષ્ણનગર,અમદુપુરા, સરસપુર, મણિનગર, સૈજપુર,જમાલપુર,ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ
24 કલાકમાં રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 228 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ જામકંડોરણામાં પડ્યો છે. જે બાદ કપરાડામાં પોણા છ ઇંચ, ઉપલેટામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવી રહ્યાં છે, જ્યારે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરી છે.
અમદાવાદમાં ગઈકાલે ગુરુવારે પણ સાંજે વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો
પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. પાંચેય દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સરસપુર વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતાં
10 જુલાઈ સુધી આ વિસ્તારોમાં જળબંબાકાર થઈ શકે
‘રાજ્યમાં 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જુલાઇએ મધ્ય ગુજરાત,11 જુલાઇએ આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડશે.