
રવિવારે સાંજે શહેર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી શરૂ થતા રવિવારની મજા માણવા માટે બહાર નીકળેલા અમદાવાદીઓ વરસાદમાં ભીંજાયા હતા. અનેક જગ્યાએ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે શહેરીજનો રસ્તા પર જ અટવાઈ ગયા હતા. શહેરમાં 3 દિવસમાં 6 ઈંચ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. આજે પણ 1 કલાકમાં સતત બે ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. આમ છેલ્લા 3 દિવસમાં 7 ઈંચ જેટલા વરસાદ સાથે શહેરમાં સીઝનનો 20 ટકા વરસાદ થઈ ગયો છે. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી.
બોડકદેવ, મણીનગર, ઓઢવમાં કલાકમાં 2 ઈંચ વરસાદ
અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોધપુર, સેટેલાઇટ, સરખેજ, ઇસ્કોન, એસજી હાઇવે, જુહાપુરા સહિતના વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આશ્રમ રોડ, ઉસ્માનપુરા, વાડજ, મણિનગર, કાંકરીયા, કોતરપુર, સરદારનગર, નોબલનગર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સરખેજનો મકરબા અંડરબ્રિજ પણ તથા પરિમલ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
થલતેજમાં ગટરનું પાણી ઘરમાં ફરી વળ્યું
અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. થલતેજ, કેશવબાદ, વેજલપુર, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાટૅમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું.
મુખ્યમંત્રીએ ઈમજરન્સી બેઠક બોલાવી
રવિવારે દક્ષિણ તથા મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યમંત્રીએ તાબડતોબ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી બેઠક કરીને મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીની ફાઈલ તસવીર
રાજ્યમાં 3250 લોકોનું રેસ્ક્યુ કરાયું
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના પગલે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી આ સાથે જ રાજ્યમાં હજુ આગામી બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એવામાં NDRFની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે. ઉપરાંત છોટા ઉદેપુરથી 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે. રાજ્યમાં 10મી જુલાઈના રોજ ભારે વરસાદના પગટેલ સ્ટેટ હાઈવે, પંચાયત હાઈવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 રસ્તા બંધ કરવા પડ્યા છે.
ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ સુધી 10.19 ઈંચ વરસાદ નોંધાયો છે
રાજ્યમાં હજુ સુધી 10.19 ઈંચ સાથે મોસમનો સરેરાશ 30.47 ટકા વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં કચ્છ મોખરે હોય છે. પરંતુ આ વખતે અત્યારસુધીની સ્થિતિ અલગ છે. કચ્છમાં મોસમનો સૌથી વધુ 56 ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 18.41 ટકા વરસાદ નોંધાયો છે.કચ્છમાં 1992થી 2021ની સરેરાશ જોવામાં આવે તો ચોમાસા દરમિયાન 17.95 ઈંચ વરસાદ પડતો હોય છે, જેની સરખામણીએ આ વર્ષે 10.23 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં મોસમનો 37.62 ટકા, દક્ષિણ ગુજરાતમાં 35.90 ટકા વરસાદ નોંધાયો છે.ઉત્તર ગુજરાતમાં 5.39 ઈંચ સાથે મોસમનો 19.06 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં 5.82 ઈંચ સાથે મોસમનો 18.41 ટકા વરસાદ નોંધાયો છે.