આગામી 10 જુલાઇના રોજ બકરી ઈદનો તહેવાર આવે છે બકરી ઇદના તહેવારમાં મુસ્લિમ સમાજ દ્વારા પ્રાણીઓ ની કુરબાની આપવાનો રિવાજ છે. આ તહેવાર દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં કચરો રોડ પર ફેંકી દેવામાં આવે છે. તાજેતરમાં જ નૂપુર શર્માની ટિપ્પણી અને ઉદયપુરમાં દરજીની હત્યાની ઘટના બાદ જે રીતે દેશમાં અને અન્ય રાજ્યોમાં સંવેદનશીલ વાતાવરણ ઊભું થયું છે. ત્યારે અમદાવાદમાં પણ કોઈ વ્યક્તિ દ્વારા આવી રીતે રોડ પરના કુરબાની બાદના કચરાના ફોટા પાડી અને કોમી વૈમનસ્ય ન ફેલાવવામાં આવે તેમજ ગંદકી ન થાય તેના માટે તાત્કાલિક ધોરણે કચરો ઉપાડવાની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મુસ્લિમ વિસ્તારોમાં સ્પેશિયલ કચરાપેટી, બેરલ્સ મુકવામા આવશે. તમામ ઝોનમાં બે અધિકારીઓ, સેન્ટ્રલ વર્કશોપના ત્રણ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ચાર એમ કુલ 19 અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા પણ મુસ્લિમ વિસ્તારોમાં બકરી ઇદના તહેવાર દરમિયાન કચરાપેટી મૂકાવવા માટે તેમજ સવારના સમયે તમામ મસ્જિદ ની આસપાસ સાફ સફાઇ કરાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જાણ કરી હતી.
તાજેતરમાં નૂપુર શર્માની ટિપ્પણી અને ઉદયપુરમાં દરજી યુવકની હત્યા બાદ બે કોમ વચ્ચે વૈમનસ્ય બનાવો સામે આવી રહ્યા છે આગામી ૧૦ જુલાઇના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર આવે છે જેમાં પ્રાણીઓને કુરબાની આપવામાં આવે છે. પ્રાણીઓની કુરબાનીને લઈ અને ધર્મ બાબતે સંવેદનશીલતા હોય અને અન્ય ધર્મની લાગણીઓ ન દુભાય તેને ધ્યાનમાં રાખવી જરૂરી બની છે. રોડ પર કુરબાની બાદ જે કચરો ફેંકવામાં આવતો હોય છે તેને તાત્કાલિક ઉપાડી લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ વર્કશોપ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી અને મુસ્લિમ વિસ્તારોમાં સ્પેશિયલ કચરાપેટી બેરલ્સ, બંધ બોડીના વાહનો કન્ટેનરો વગેરે મૂકી અને ઝડપથી કચરાનો નિકાલ કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચના આપવામાં આવી છે. 10 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં ચાર દિવસ કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે.
કોને કઈ જવાબદારી સોંપાઈ
*મ્યુનિસિપલ સેન્ટ્રલ સ્ટોર*
કુરબાનીનો કચરો એકત્ર કરવાની કામગીરી સારૂ ઝોનની ડીમાન્ડ મુજબનાં બેરલ્સ ઝોનવાઇઝ ફાળવી આપવાનાં રહેશે.
*મ્યુનિસિપલ સેન્ટ્રલ વર્કશોપ*
● કુરબાનીનો કચરો એકત્ર કરવાની કામગીરી માટે ઝોનની ડીમાન્ડ મુજબનાં જરૂરીયાત અનુસારનાં વધારાનાં બંધ બોડીનાં વાહનો, હાઈડ્રોલીક વાહનો, જેસીબી મશીન, બોબકેટ મશીન તથા ટ્રકો વગેરે વાહનો તેમજ સ્ક્રીપ્ટ / કન્ટેઈનર્સ, ફાળવી આપવાનાં રહેશે.
*ઝોનલ સો.વે.મે. વિભાગની કામગીરી*
● ઝોન-વોર્ડમાં જણાવેલા જે તે સ્થળો પર કુરબાની અંગેનો વેસ્ટ આવતો હોય તેવી જગ્યાઓની યાદી બનાવવાની કામગીરી તેમજ આ જગ્યાઓ ઉપરથી મોબાઈલ કલેકશન વાહનો દ્વારા વેસ્ટ ઉપાડવાની કામગીરી.
● ઝોન – વોર્ડમાં જરૂરીયાત મુજબનાં સ્ક્રીપ્ટ / કન્ટેઈનર્સ, બંધ બોડીનાં વાહનો, હાઈડ્રોલીક વાહનો, જેસીબી મશીન, બોબકેટ મશીન યાદી તૈયાર કરી સેન્ટ્રલ વર્કશોપ ખાતે મોકલી આપવી તેમજ તે અનુસારનાં વાહનો મેળવી ઝોનમાં પુરેપુરા સમય માટે કામગીરી કરાવવી.
● જરૂરીયાત અનુસારનાં બેરલો સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી મેળવી લેવા અન્યથા ઝોનનાં ઈજનેર વિભાગ પાસેથી અને અથવા બજારમાંથી ઝોનનાં ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીની મંજૂરી મેળવી ખરીદી કરી લેવાનાં રહેશે.
● બેરલોમાંથી કચરો ઉપાડી લઈ જે તે ઝોનમાં જે જગ્યાએ કુરબાની અંગેનાં વેસ્ટનાં નિકાલ માટે મુકવામાં આવેલા સ્ક્રીપ્ટ / કન્ટેનર્સ | વાહન કે નક્કી કરવામાં આવેલ જગ્યાએ ખાલી કરાવવાની વ્યવસ્થા ગોઠવવી.
● જે ઝોનમાં વધુ પ્રમાણમાં કુરબાની અંગેનો વેસ્ટ આવે છે તેવી જગ્યાઓ ઉપર મોટાં અથવા વધારે સ્ક્રીપ્ટ / કન્ટેનર્સ કે હાઈડ્રોલીક ડમ્પર પ્લેસર વાહનો દ્વારા કચરો ઉપાડી લેવાની કામીગીરી કરાવવી.
● ટ્રક તથા મીની ટ્રક દ્વારા જે તે ઝોનમાં મોબાઈલ કલેકશન દ્વારા કુરબાની અંગેનો વેસ્ટ એકત્ર કરવાની કામગીરી કરાવવી.
• કુરબાનીનો એકત્ર કરવામાં આવેલ તમામ કચરો પિરાણા ખાતેનાં વે બ્રીજ ઉપર મોકલી આપવાનો રહેશે.
● કુરબાનીનો વેસ્ટ એકત્ર કરવામાં આવતો હોય તેવી તમામ જગ્યાઓ ઉપર જંતુનાશક દવા તેમજ ફીનાઇલનો છંટકાવ કરાવવાનો રહેશે.
● કુરબાની અંગેનો વેસ્ટ એકત્ર કરવાની કામગીરી માટે વાપરવામાં આવતાં વાહનો – કન્ટેનરો – બેરલોને નિયમિત દિવસમાં બે વાર ન્યુસંસ ટેન્કર અને ફિનાઈલ વડે સાફ કરવવાનાં રહેશે.
*પિરાણા ડમ્પ સાઇટ – સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કામગીરી*
● એકત્ર કરવામાં આવેલા કુરબાની અંગેનો વેસ્ટ વે બ્રીજ પર આવ્યેથી તેને વજન કરાવીને તેની વિગતવાર નોંધ રાખવાની રહેશે.
● વે બ્રીજ ઉપર વજન કરાવીને આવેલ કુરબાની અંગેનો વેસ્ટ સો.વે.મે. વિભાગ હસ્તકની પિરાણા ડમ્પ સાઇટ ઉપર આ માટે ખાસ અલગથી જગ્યા તૈયાર કરાવવી અને તે જગ્યાએ જ નિકાલ કરાવવાનો રહેશે.