
શહેરમાં મંગળવારે સવારથી જ આખો દિવસ કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા. લોકોને હમણાં જ ધોધમાર વરસાદ તૂટી પડશે તેવું લાગતું હતું પણ માત્ર ઝરમર વરસાદથી સંતોષ માનવો પડ્યો હતો. સાંજે ચકુડીયા અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. ઉસ્માનપુરા અને ચાંદખેડા વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો.
ગોતામાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. માત્ર કોતરપુર વિસ્તારમાં જ સવારે 5.5 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. વાદળિયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ યથાવત્ રહ્યું હતું. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.5 અને લઘુતમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં બુધવારે હળવોથી મધ્યમ અને શુક્રવારે ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 5 દિવસ દરમિયાન હળવોથી ભારે વરસાદ પડી શકે છે.