અમદાવાદમાં L.D આર્ટ્સ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે.વિદ્યાર્થીઓ કોલેજમાં કરતા તોફાન અંગે પ્રિન્સિપાલે આજે તેમને મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાઈને એક વિદ્યાર્થીએ કેબિનમાં રહેલો પોર્ટ ફેંક્યો હતો અને પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કર્યો અને કેબિન બહાર જઈને તેમની પર છૂટી ખુરશી ફેંકીને કાચ તોડી નાખ્યો હતો. સમગ્ર મામલે પ્રિન્સિપાલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે. આ વિદ્યાર્થીઓ NSUI સાથે જોડાયેલા છે.L.D કોલેજમાં રબારી અર્જુન, રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓ સામે અનેક ફરિયાદો થઈ હતી.
અર્જુન રબારી L.D કોલેજનો ઉપપ્રમુખ છે
અધ્યાપકોને હેરાન કરવા, વિદ્યાર્થીનીઓને હેરાન કરવી સહિતની ફરિયાદો હતી જેથી તેમને જુલાઈ મહિનામાં મળવા બોલાવ્યા હતા. ત્યારે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહીં થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ કલાસે છરી ફેરવીને ડરાવતા હતા. મહિલા અધ્યાપકોને ચાલુ કલાસે ક્લાસના દરવાજા બંધ કરી દેતા હતા. બિલ્ડીંગમાં ગમે ત્યાં ગાળો લખી દેતા હતા. 2 દિવસ અગાઉ સુભા નિગમ નામના મહિલા અધ્યાપક ભણાવતા હતા ત્યારે 30 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકને વર્ગમાં બંધ કરી દીધા હતા. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક NSUI સાથે જોડાયેલા છે. જેમાં અર્જુન રબારી L.D કોલેજનો ઉપપ્રમુખ છે.
પ્રિન્સિપાલની કેબિનમાં જઈને તોડફોડ કરનારા વિદ્યાર્થીઓ
પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી
આ સમગ્ર મામલે આજે L.D આર્ટસના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ ત્રણેય વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા હતા. ત્યારે દાદાગીરી કરતા ત્રણેય વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલની કેબિનમાં આવ્યા હતા. અર્જુન રબારી નામના ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને શાંતિથી વાત કરવા કહ્યું હતું. ત્યાર બાદ ઉશેકરાઈને એક વિદ્યાર્થીની ઉભી હતી તેના માથા પરથી પોર્ટ છૂટો ફેંક્યો હતો. જે બાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યાર બાદ દોડીને કેબીન બહાર જતો રહ્યો હતો. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી. પરંતુ પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી.ત્યાર બાદ ત્રણેય વિદ્યાર્થીઓ નાસી ગયા હતા.
પ્રિન્સિપાલની કેબિનમાં ખુરશી ફેકીને બારીના કાચ તોડ્યા
વિદ્યાર્થીઓ શરૂઆતથી જ કોલેજમા તોફાન કરી રહ્યા છે
આ મામલે કોલેજના પ્રિન્સિપાલ ડો મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શરૂઆતથી જ કોલેજમા તોફાન કરી રહ્યા છે. અનેક ફરિયાદો અગાઉ આવી ચૂકી છે. પરંતુ માફી પત્ર આપીને છોડી દેવામાં આવ્યા હતા. આ વખતે વિદ્યાર્થીઓએ હદ પાર કરીને મને જેમ તેમ બોલીને મારવાનો પ્રયત્ન કર્યો છે. જેથી હું ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો છું. વિદ્યાર્થીઓને અમે રસ્ટીકેટ કરવા સુધીની કાર્યવાહી કરીશું.
વિદ્યાર્થીઓના ફોર્મ
કોલેજના ગ્રુપમાંથી નંબર લઈને ખરાબ મેસેજ કરતા
ચંચલ ચૌહાણ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે આજના બનાવ સિવાય પણ વિદ્યાર્થીઓ અગાઉ પણ દાદાગીરી કરતા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ છોકરીઓના ફોટા લઈને એકબીજાને ફોરવર્ડ કરતા હતા. કોલેજના ગ્રુપમાંથી નંબર લઈને ખરાબ મેસેજ કરતા હતા. છોકરીઓ રિક્ષામાં જાય ત્યારે તેમની પાછળ પાછળ જાય છે. ગર્લ્સ વૉશ રૂમમાં છોકરીઓના નામે ગાળો લખે છે. આખું ગૃપ NSUIનું છે. આ અંગે NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે NSUIની શહેરની બોડી બનાવવામાં આવી નથી. જેથી આ વિદ્યાર્થીઓ NSUI સાથે જોડાયેલા નથી. કદાચ પૂર્વ હોદેદારો હોય શકે છે. NSUIના કાર્યકરો પણ હશે તો તેમની સામે અમે પગલાં ભરીશું.