
સરખેજ બાવળા હાઈવે પર કારનુ ગેરેજ ધરાવતા યુવકનો સોશિયલ મીડિયા પર સંપર્ક કરી યુકેની કંપનીના કેમિકલ ઈન્સ્પેકટરની ઓળખ આપીને ફાર્મા કંપનીને રોમટીરિયલ જોઈતું હોવાનુ કહીને કુલ રૂ. 1.24 કરોડની છેતરપિંડી કરાઈ છે.
નારણપુરામાં રહેતા અને સરખેજ બાવળા હાઈવે પર કાર રિપેરિંગનુ ગેરેજ ધરાવતા દીપકભાઈ જાંગીડના મોબાઈલ ફોન પર અજાણ્યા ઈલ્લા વિલિયમ્સ નામની વ્યક્તિએ યુકેની ફાર્મા કંપનીના કેમિકલ ઈન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી, કંપનીને દવા બનાવવાના રો-મટીરિયલ માટે પ્લુકેનટિયા ઓઈલ તેમજ પ્લુકેનટિયા સિડ્સ નામના ઓઈલ તેમજ બિયારણની જરૂર હોવાનું કહી આ મટીરિયલના ધંધા સથે મુંબઈની ભવાની ટ્રેડર્સ નામની કંપનીની સીમા જૈન નામની મહિલાનો નંબર આપી મદદ કરવા કહ્યું હતું.
દીપકભાઈએ આપેલા નંબર પર ભવાની ટ્રેડર્સમાં વાત કરી એક લીટર ઓઈલ તથા 500 ગ્રામ સીડ્સ નો ઓર્ડર આપ્યો હતો. જે કુરિયર દ્વારા ડિલિવરી મળતાં યુકેથી ડોફ્રીમેન એન્થની નામની વ્યકિત દિલ્હી આવી હતી અને સેમ્પલ લઈ ગઈ હતી. થોડા દિવસ બાદ લેબનો રિપોર્ટ આવી ગયો હોવાનુ કહીને બે મહિનામાં ટુકડે ટુકડે 50 લીટર ઓઈલ અને 30 કિલો સીડ્સ નો ઓર્ડર આપી તેમની પાસેથી ભવાની ટ્રેડર્સમાંથી કુલ રૂ. 1.24 કરોડની ખરીદ કરાવી હતી પછી યુકેની કંપની માલ ન મગાવતા શંકા જતા તેમણે તપાસ કરતા ઓઈલની જગ્યાએ કલરવાળું પાણી નીકળ્યું હતું.