રેલવે મારફત ચાલતા જીએસટી કૌભાંડનો મોટો મામલો સામે આવ્યો છે. જેમાં ઇ-વે બિલની રૂપિયા 50 હજારની લિમિટનો લાભ લઇને માલ મોકલનારાઓ સરકારને કરોડોનો ચૂનો રોજ લગાવી રહ્યા છે. તાજેતરમાં જ પકડાયેલી એક નવી જ મોડસ ઓપરેન્ડી મુજબ રેલવે મારફત આવેલા રૂપિયા એક કરોડથી વધુના તમાકુના માલના બિલ પર કિંમત માત્ર 48 હજાર બતાવવામાં આવી હતી.
જીએસટીની તપાસ બાદ તેમાં હાલ દસ લાખની પેનલ્ટી લગાવવામાં આવી છે અને યુ.પી.થી આવેલા આ તમાકુ મામલે વધુ તપાસ થઈ રહી છે. અધિકારીઓ કહી રહ્યા છે કે રેલવે 50 હજારથી વધુનુ ઇ-વે બિલ હોય તો જ ચેક કરી શકે છે જેનો લાભ લઇને કૌભાંડીઓ ગમે તેટલી રકમનો માલ હોય બિલ રૂપિયા 50 હજારથી નીચેનુ જ બનાવી રાખે છે. સ્વભાવિક છે કે આ બિલ બોગસ હોય છે. એક્સપર્ટ કહે છે કે સમગ્ર દેશમાં આ બાબતના કેસોની તપાસ થવી જોઇએ. જેમ કસ્ટમ વિભાગ એરપોર્ટ પર એક ટીમ રાખે છે તેમ દેશના દરેક પ્લેટફોર્મ પર જીએસટીની ટુકડી હોવી જોઇએ.
નોંધનીય છે કે છેલ્લા છ મહિનામાં છથી વધુ એવા કેસ થયા છે જેમા પાંચ કરોડથી વધુના કેસ પકડાયા છે. બાય રોડ માલ ચેકપોસ્ટ પર પકડાઈ જવાની બીકે રેલવે મારફત માલ મંગાવવામાં આવતો હોવાનું જીએસટીના અધિકારી કહી રહ્યા છે.
તમાકુ અને કપડાના કેસમાં મોડસ ઓપરેન્ડી
તાજેતરમાં બે કેસ પકડાયા હતા. તમાકુની કિંમત 1 કરોડની ઉપર હતી પરંતુ બિલ પર 48 હજાર બતાવવામાં આવી હતી. જ્યારે કપડાના એક કેસમાં 25 લાખનો માલ હતો તેની સામે બિલની કિંમત 38 હજાર બતાવવામાં આવી હતી. યુપીથી તમાકુંનો જે જથ્થો સુરત આવ્યો તેને લેવા માટે કોઈ આવ્યું ન હતું. એને અર્થ એ કે, બીલ અને માલ મોકલનાર પાર્ટી બન્ને બોગસ હતા. આમ તમાકુ જેવી મોઘી કોમોડિટીના કૌભાંડીઓ માટે આ છટકબારીઓ ગ્રીનકોરીડોર સમાન છે.
50 હજારથી ઓછી જ રકમનો બનાવડાવે
જો ઇ-વે બિલ રૂપિયા 50 હજારથી વધુનું બનાવવામાં આવ્યુ હોય તો જ રેલવે પર જીએસટી નંબર કે વધારાની વિગતો ચેક કરવામાં આવે છે. આથી કૌભાંડીઓ હવે નવી જ મોડસ ઓપરેન્ડી અપનાવી ઇ-વે બિલ રૂપિયા 50 હજારથી ઓછી જ રકમનો બનાવડાવે છે. જેથી ચેકિંગની ઝંઝટ જ રહે. આથી વેપારીઓ જાણી જોઈને 50 હજારથી ઓછી રકમોના જ બિલ બનાવે છે.આ કૌભાંડમાં રેલવેના અધિકારીઓની પણ સંડોવણી હોય શકે છે. કારણ કે, દેખીતી રીતે લાખોના પાર્સલ હોવા છતાં તેમને હજારોના તરીકે ખપાવી દેવામાં આવે છે.
દરેક સ્ટેશન પર ચેકિંગ જરૂરી
રેલવે મારફત માલની હેરાફેરીના કેસમાં પ્લેટફોર્મ પર જ જીએસટીની એક ચોકી હોવી જોઇએ જેથી જે માલ આવે તેમાં અન્ડર ઇનવોઇઝ કરવામાં આવ્યુ હોય તો તેની જાણ થઈ જાય. પરંતુ હાલ માત્ર આકસ્મિક ચેકિંગ જ થાય છે. ચેકિંગની વ્યવસ્થા સમગ્ર દેશના રેલવે પ્લેટફોર્મ પર હોવી જોઈએ.
રેલવે માત્ર પાર્સલોના વજન જ ચેક કરે છે, GST આકસ્મિક દરોડા પાડે છે
સુરતમાં જેટલો માલ જાય છે તેના કરતા બમણો માલ આવે છે. સુરતથી રેલવે મારફત સર્વાધિક કાપડનો જથ્થો જાય છે અને રેલવેને રૂપિયા નવ કરોડ જેટલી આવક થાય છે. જ્યારે સામે પક્ષે દેશના વિવિધ ભાગમાંથી માલ સુરત આવે છે જેમાં સર્વાધિક ઇલેક્ટ્રોનિકની આઇટમ હોય છે. આ ઉપરાંત તમાકુ પ્રોડક્ટ પણ આવતી હોય છે. હવે જ્યારે માલ રેલવેની બોગી મારફત આવે ત્યારે તેને પહેલા તો રેલવે વિભાગ ચેક કરે છે બિલ જુએ છે અને તેમા કયા પ્રકારનો માલ છે તે જોઈને જવા દે છે. સૂત્રો વધુમાં કહે છે કે સ્કેનર ન હોય ત્યાં પાર્સલમાં કયા પ્રકારનો માલ છે તે પણ ચેક થતુ નથી.