રાજ્યમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં બીજો રાઉન્ડનો ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. પરંતુ આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. તેમ છતાં ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી તો છે જ. આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી બાજુ ગુજરાતમાં 66 ટકા વરસાદ પડી ચૂક્યો છે. આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તે પાક્કું છે. પરંતુ એક અઠવાડિયા બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે અને બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદનો યોગ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં પણ વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.
અત્યારસુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાત રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.22 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 117.16 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 55.77 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 60.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.32 ટકા અને દક્ષિમ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ પડ્યો છે.