બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55 લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડ માટે ઝેરી દેશી દારૂ નહીં પણ ‘કેમિકલ’નો દુરુપયોગ જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું છે. રાજુ નામના બુટલેગરે અમદાવાદની ફેક્ટરીમાંથી કેમિકલની ચોરી કરીને રોજિદ, દેવગણાના બુટલેગરોને પહોંચાડ્યું હતું. મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ નામના આ કેમિકલમાં પાણી ભેળવીને પ્રતિ પાઉચ 20 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું.
આ ઝેરી દારૂ પીધા બાદ અત્યાર સુધીમાં 150 લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનામાં પોલીસની નિષ્ફળતાની બુમરાણ વચ્ચે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ મંગળવારે પત્રકારો સાથે વાત કરતા પોલીસની કામગીરીને બિરદાવી હતી.
ભાટીયાએ કહ્યું હતું કે રોજીદ ગામ અને આસપાસના વિસ્તારોમાં પોલીસે કડક કાર્યવાહી કરીને દારૂના તમામ ઠેકા બંધ કરાવી દીધા હતા જેના કારણે બંધાણી લોકો કેમિકલ પીવા તરફ વળ્યા હતા. જેનાથી આ ઘટના ઘટી છે.
રોજીદ ગામના સરપંચે દારૂના અડ્ડા બંધ કરાવવા માર્ચ મહિનામાં લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં આ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે. આ મામલે ભાટીયાએ કહ્યું કે અગાઉના પીએસઆઇ અને હાલમાં કાર્યરત પીએસઆઇ બી.જી.વાળાએ કડક કાર્યવાહી કરી છે. માર્ચમાં સરપંચની અરજી મળી એ પછી 6 પ્રોહીબિશન કેસ કરાયા હતા. તે પછી 6 નીલ રેડ થઇ. બે લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી અને એકને તડીપાર કરાયો હતો. પોલીસની કાર્યવાહીને કારણે આ વિસ્તારમાં દારૂનો ઠેકો મળતો ન હતો.
…આ રીતે સમજો રાજ્ય સરકારની કેમિકલ થિયરી
1. ફેક્ટરીથી કેમિકલ ચોરાયું એમ કહીને કેમિકલ વેચનારી કંપનીનો બચાવ કર્યો
2. ‘મોત કેમિકલથી’… આ દાવો કરીને ગેરકાયદે દારૂ વેચવાના આક્ષેપથી બચ્યા
3. કેમિકલ થિયરી દ્વારા પોલીસ, તંત્ર અને સરકાર ત્રણેયે પોતાને ક્લીનચિટ આપી