ચૂંટણી પહેલા ભાજપ બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બની છે. ત્યારે અરવિંદ કેજરવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આજે તેમણે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં માથુ ટેકવ્યુ હતું. તેના બાદ તેઓ રાજકોટના વેપારીઓને મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રત્ન વિલાસ પેલેસ ખાતે ટ્રેડર્સો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે ઉદ્યોગકારો અને વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. તેના બાદ ટાઉન હોલ કાર્યક્રમમાં વેપારીઓને સંબોધન કર્યુ હતું. વેપારીઓ સાથેના સંવાદમાં એક સમયે હાસ્યાસ્પદ ચર્ચા થઈ હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મીડિયા કન્વીનર રાજુ જુન્જા વિજય રૂપાણીનુ નામ લઈને પ્રશ્ન પૂછ્યો હતો, તો કાર્યક્રમમાં હાસ્યનુ મોજુ ફરી વળ્યુ હતું.
ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પણ હાજર રહ્યાં. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મીડિયા કન્વીનર રાજુ જુન્જાએ ઉઠીને કહ્યું હતું કે, ‘ગુજરાતીમાં પ્રશ્ન પૂછીશ. વિજયભાઈ રૂપાણી જેવું મારું હિન્દી છે.’ ત્યારે ત્યા હાજર તમામ વેપારીઓ હસી પડ્યા હતા.
વેપારીઓએ કેજરીવાલ સામે સમસ્યાઓનો ઢગલો કરી દીધો
વેપારીઓએ GST ને લગતા પ્રશ્નો તેમની સામે રજૂ કર્યા હતા. જામનગરના બ્રાસના વેપારીએ પણ પ્રશ્ન રજૂ કર્યા. તો કેટલાક વેપારીઓએ કહ્યુ કે, ગુજરાતમાં જમીન કૌભાંડો થાય છે. કેજરીવાલના ટાઉન હોલ કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખ પરેશ વસાણીએ કેજરીવાલને કહ્યું, MSME ઉદ્યોગો પડી ભાંગ્યા છે. તમારી સરકાર આવશે તો શું કરી આપશો? MSME ઉદ્યોગો પરથી GST હટાવવામાં આવે નહિ તો ઉદ્યોગો બંધ થઇ જશે. એક્સાઇઝ ટેક્સને કારણે MSME ઉદ્યોગો મૃત પાય થવા તરફ છે.
તો વેપારીઓએ એમ પણ કહ્યુ કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા જરૂરી છે. તમે વેપારીઓના પ્રશ્નો સાંભળવા અહીં સુધી આવ્યા ત્યારે તે માટે અભિનંદન. APMC એક્ટથી માર્કેટિંગ યાર્ડૉને નુકસાન થાય છે અને બંધ થવા લાગ્યા છે. આપની સરકાર આવશે તો આમા શું રસ્તો કાઢશો? તો સિરામીક ઉદ્યોગકારોએ પ્રશ્ન રજૂ કર્યો કે, GSPC ગેસ કંપની ગમે ત્યારે ભાવ વધારી દે છે. જેને કારણે સિરામીક ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે.
રાજકોટ વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલનું સંબોધન કરીને વેપારીઓને પાંચ વચનો આપ્યા હતા. જે આ મુજબ છે.
- વેપારીઓનો ડરનો માહોલ બંધ કરીશું,નિડરતાથી વેપારી-ઉધોગપતિ કામ કરી શકે તેવું વાતાવરણ બનાવીશું
- વેપારીઓ અને ઉદ્યોગકારોને ઈજ્જત આપીશું. સરકારી કચેરીઓમાં વેપારીઓનું માન સન્માન આપવીશું
- સિસ્ટમમાં ભ્રષ્ટાચાર બંધ કરીશું.
- જીએસટીના રીફંડ છ મહિનામાં આપીશું. જીએસટીની ગુંચવણોને દૂર કરીશું.
- વેપારીઓ અને ઉદ્યોગકારોની સમસ્યાઓ સાંભળીને કમિટી બનાવીશું. તેમને સરકારના પાર્ટનર બનાવીને સાથે ચાલીશું
પોતાના સંબોધનમાં કેજરીવાલે ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે, સુરતમાં એક વર્ષ પહેલાં ઉદ્યોગકારો સાથે બેઠકનું નક્કી કર્યું હતું. પણ વેપારીઓના હોલનું બુકીંગ કેન્સલ કરી દેવામાં આવ્યું હતું અને દબાવવામાં આવ્યા હતા. મને વેપારીઓએ ફોન કરી જાણ પણ કરી હતી.
અરવિંદ કેજરીવાલ સી.આર.પાટીલ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ કે, આજ સુધી જે વાત નહોતી પહોંચી તે આજે પહોંચી જશે. આજે મને જે વાત કરી તે મુખ્યમંત્રી અને પાટીલ સાહેબ સાંભળતા હશે. MSME ઉદ્યોગોકારો મુદ્દે તમામ રાજકીય પાર્ટીઓ ભાષણ આપે છે. GSTને કારણે MSME ઉદ્યોગો ખોટમાં ચાલે છે. હું અહી મળેલા સૂચન દિલ્હીમાં લાગુ કરીશ. GSTના સલાહકાર સરકાર રાખે તો વેપારીને રૂપિયા ખર્ચવા નહિ પડે. MSME ઉદ્યોગકારોને સૌથી વધુ ટેક્સ બાબતે નીચવી લેવામાં આવે છે. ઉદ્યોગો અને દુકાનો ચાલે નહિ તો ટેક્સ ક્યાંથી આપે. ઉદ્યોગકારો 99 ટકા ઈમાનદારીથી ટેક્સ આપવા માંગે છે. વેપારીઓ અને લોકો ટેક્સ આપવા માંગે છે પણ જટિલ પ્રક્રિયાને કારણે સેટલમેન્ટ કરવા મજબૂર બને છે.
તેમણે કહ્યુ કે, દિલ્હીમાં GSTના દરોડા કરવાનું બંધ કરી દીધું છે. મેં ના પાડી છે કે GST ના અધિકારીઓને કે દરોડા કરવાની કોઈ જરૂર નથી. દિવાળી પર ઇન્સપેક્ટર રૂપિયા લેવા આવે તો ફોટો પાડી મને મોકલવા સૂચના આપી છે. થોડા દિવસો આ લોકોએ પહેલા દહીં, દૂધ અને લોટ પર પણ GST લગાવી દીધો. દિલ્હીમાં અમે ભ્રષ્ટાચાર બંધ કર્યો. ફ્લાઈ ઓવરમાં અમારી સરકારે 200 કરોડ બચાવ્યા છે. દરેક વસ્તુઓમાં રૂપિયાના ખર્ચાઓ ઘટાડ્યા છે. CAGના રિપોર્ટમાં પુરા દેશમાં માત્ર દિલ્હી સરકાર જ નફામાં ચાલે છે તેવો રિપોર્ટ આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારને કહેવા માગું છું કે, GST વધારવાની નહિ પરંતુ તમારે GST અડધી કરવી પડશે.